/POK મુદ્દે હવે સરકાર તરફથી મોરચો સંભાળશે આ સંગઠન, તૈયારીઓ પૂરી

POK મુદ્દે હવે સરકાર તરફથી મોરચો સંભાળશે આ સંગઠન, તૈયારીઓ પૂરી

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર મુદ્દે હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને રાષ્ટ્રીય મુસ્લિમ મંચના માર્ગદર્શક ઇન્દ્રેશ કુમારે રણટંકાર કરતા કહ્યું કે, પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર, ગિલગિટ અને બાલ્ટીસ્તાનને પાકિસ્તાનના ગેરકાયદે કબ્જામાંથી છોડાવવા માટે આજથી એક અભિયાન શરૂ થશે.
ઇન્દ્રેશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીર, ગિલગિટ અને બાલ્ટીસ્તાન ઉપર ગેરકાયદે કબ્જો કર્યો હોય, તેણે આ ત્રણે વિસ્તારોમાંથી તેની સેના પાછી ખેંચવી પડશે. પાકિસ્તાન આ ત્રણે વિસ્તાર પરથી કબ્જો છોડે એ માટે તેના ઉપર દબાણ વધારવા માટે એક અભિયાનની શરૂઆત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે કરી છે. આ ઉપરાંત ઇન્દ્રેશ કુમારે મહેબુબા મુફ્તી અને ફારૂક અબ્દુલ્લા ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા.
યાદ રહે કે નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ થોડા દિવસ પહેલાં જ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય સામે હૂંકારો કર્યો હતો. લોકશાહીમાં વિરોધ કરાય એ તો તંદુરસ્ત રાજનીતિની એક સમજ ગણાય. પરંતુ ફારૂક અબ્દુલ્લા એ માટેની તમામ મર્યાદા ઓળંગી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં ફરીથી 370મી કલમ અમલી કરવા માટે ચીનનો સાથ લેશે. આ અંગે ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે, આપણે એક ઠેરાવ પસાર કરીને ફારૂક અબ્દુલ્લાને કહીએ કે ચીન આટલું ગમતું હોય તો તમે ચીન જતા રહો, અમારા ઉપર એટલી દયા કરો.
એ જ રીતે નજરકેદમાંથી હાલમાં જ છુટેલા પીડીપીના નેતા મહેબુબા મુફ્તીએ પણ જ્યાં સુધી આ કલમ લાગુ નહીં કરાય ત્યાં સુધી ત્રિરંગો નહીં અડું એવું કહીને વિવાદ જગાવ્યો હતો. ઇન્દ્રેશ કુમારે મહેબુબા મુફ્તીની આ ટીપ્પણી અંગે કહ્યું હતું કે, મુફતીએ પણ તેમને જ્યાં ગમતું હોય ત્યાં જતા રહેવું જોઇએ.
ઇન્દ્રેશ કુમારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી વિશેષ કલમ 370 નાબૂદ કરવા અંગે કહ્યું કે, આઝાદીના 70 વર્ષ પછી ભારત એક રાષ્ટ્ર બન્યું છે. એક રાષ્ટ્ર, એક ધ્વજ, એક બંધારણ, એક નાગરિકત્વ, એક સૂત્ર અને એક રાષ્ટ્રગીત દેશમાં શક્ય થયું છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના આ રણટંકાર સાથે હવે ફરીથી જમ્મુ કાશ્મીરના કેટલાક હિસ્સાને પાકિસ્તાનના કબ્જામાંથી છોડાવવા માટે નવેસરથી પ્રયાસ હાથ ધરાશે. ખાસ તો એ વિસ્તારમાંથી જ પાકિસ્તાન વિરોધી લાગણી ઉઠે જ છે, તે તો તેને ટેકો આપવા સાથે પાકિસ્તાન સામે નારાજગી વ્યક્ત થઇને એ વિસ્તાર ભારત સાથે જોડાવા માટે સૂર કાઢે એ દિશામાં સ્થિતિ ફેરવાય એમ લાગી રહ્યું છે, ત્યારે એ સૂરને બળવત્તર કરવા માટે પ્રયાસ કરાશે.