/ભારતમાં લોન્ચ થયેલી આ ઇલેક્ટ્રીક સાઇકલની વિશેષતા તમને ખરીદવા લલચાવશે

ભારતમાં લોન્ચ થયેલી આ ઇલેક્ટ્રીક સાઇકલની વિશેષતા તમને ખરીદવા લલચાવશે

કોરોના વાઇરસના પ્રકોપને નાથવામાં ભારતમાં લોકડાઉન અમલી કરાયું, તે સાથે જ લોકોને એક જીંવનનું સંભારણું બની જાય એવું વેકેશન મળી ગયું અને તે દરમ્યાન લોકોએ અનેક શોખ કેળવ્યા કે જુના શોખ પાછા તાજા કર્યા. સાઇક્લિંગ પણ ઘણા લોકોએ તાજું કર્યું છે. બાઇકના જમાનામાં મોટા ભાગના લોકો સાઇકલ તો સાવ ભુલી જ ગયા હતા. પરંતુ કસરત પણ થઇ અને રીક્ષા સહિતના જાહેર પરિવહન બંધ હોય લોકો માટે અવરજવર માટે સાઇકલ ઉપયોગી થઇ પડી અને તેથી જ લોકડાઉન હળવું થયા બાદ સાઇકલનું વેચાણ પણ વધી ગયું છે. હવે વધુ એક સાઇકલ લોન્ચ થઇ છે, જેની વિશેષતા તમને લલચાવી જશે.
ભારતમાં વધેલી સાઇકલની માંગને પગલે અનેક વિદેશી કંપનીઓએ પણ તેમની બ્રાન્ડ ભારતમાં વેચવી શરૂ કરી છે. હવે બ્રિટનની સાઇકલ કંપની ગો ઝીરોએ ભારતીય બજારમાં ઇ સાઇકલના વિવિધ મોડેલ લોન્ચ કર્યા છે. આ ઇ સાઇકલની કિંમત 19999 રૂપિયા છે. કિંમત એ રીતે નક્કી થઇ છે કે તમને બાટા કંપની પણ યાદ આવી જાય.
આ ઇ સાઇકલ લોન્ચ કરવા સાથે કંપનીએ દાવો કર્યો છે કે આ સાઇકલ એક વખત લોન્ચ કર્યા બાદ તે 25 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ભારતમાં આ સાઇકલના ત્રણ મોડેલ કંપનીએ બજારમાં મૂક્યા છે. તેનું સૌથી વધુ આધુનિક કહી શકાય એવું મોડેલ 34999 રૂપિયામાં મળે છે, આ મોડેલને સ્કેલિંગ પ્રો કહે છે. જ્યારે સ્કેલિંગ લાઇટ નામનું મોડેલ 24999 રૂપિયામાં મળે છે. જ્યારે સૌથી સસ્તું મોડેલ સ્કેલિંગ 19999 રૂપિયામાં મળે છે.
આ સાઇકલનું બુકિંગ 8 નવેમ્બરથી થઇ ગયું છે, જ્યારે એમેઝોન પર તેનું બુકિંગ 12 નવેમ્બરથી શરૂ થશે. સ્કેલિંગ અને સ્કેલિંગ લાઇટ, એ બે મોડેલ ગો ઝીરો કંપનીના દાવા પ્રમાણે કલાકના 25 કિલોમીટરની રહેશે, જ્યારે તે બંને મોડેલ એક વખત ચાર્જ કર્યા બાદ 25 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશે.
આ સાઇકલમાં ચાર્જિંગ માટે 210 વોટની લિથિયમ બેટરીનો ઉપયોગ કરાયો છે, જેમાં થ્રોટલ, 5 લેવલ પેડલ આસિસ્ટન્ટ, વોક અને ક્રૂઝ મોડ સામેલ છે.
આ કંપનીએ સાઇકલ રેન્જ સિવાય એક્ટિવ વિયર કેટેગરીમાં મેક ફીટ નામની એક સીરીઝ પણ બજારમાં મૂકી છે. આ સીરીઝના કપડાંની ખરીદી ઓનલાઇન શરૂ થઇ ગઇ છે. જો કે એની ડિલવરી 20 નવેમ્બર પછી જ થશે. ગો ઝીરોના સીઈઓ અંકિત કુમારે કહ્યું કે, આવનારા દિવસોમાં રોજિંદા વપરાશમાં ઉપયોગી થાય એવા મોડેલ સારા પર્ફોમન્સ સાથે બજારમાં મૂકવામાં આવશે. આ સાઇકલનું ઉત્પાદન ભારતમાં જ શરૂ થયું છે.
સાઇકલ બજારમાં મૂકવાની સાથે સાથે થોડા જ સમયમાં ભારતના અનેક નગરોમાં ગો ઝીરોના સ્ટોર પણ શરૂ થઇ જશે. આ સ્ટોરમાં અનેક મોડેલ પસંદગીની પણ ગ્રાહકોની તક મળશે. અત્યારે તો ત્રણ જ મોડેલ સાથે કંપની બજારમાં આવી ગઇ છે. સાઇકલ ફેરવીને તંદુરસ્ત રહેવા માટે બજારમાં અનેક મોંઘી સાઇકલો મળતી થઇ છે, ત્યારે આ નવી બ્રાન્ડ તેની જગ્યા બનાવી શકશે ખરી ?