/બર્થ કંટ્રોલને બદલે ભળતું જ ઇન્જેક્શન મારી દેતાં દંપતિને અધધ રૂપિયા મળ્યા !

બર્થ કંટ્રોલને બદલે ભળતું જ ઇન્જેક્શન મારી દેતાં દંપતિને અધધ રૂપિયા મળ્યા !

વિદેશમાં તબીબોએ કાળજીથી કામ કરવું પડે છે. જો ગફલત કરી તો દર્દીને મોટું વળતર ચૂકવવું પડતું હોય છે. એવો જ એક કિસ્સો અમેરિકાના સિએટલ શહેરીમાં નોંધાયો છે. અહીં એક દંપતિ ગર્ભ ન રહી જાય એ માટે ઇન્જેક્શન મૂકાવી ગયું હતું, એમ છતાં ખોટું ઇન્જેક્શન મૂકી દેવાને કારણે વિકલાંગ દીકરી જન્મતાં પરિવારે માંડેલા દાવાને કારણે 74 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
બનાવની વિગત એવી છે કે અમેરિકાના સિએટલ ખાતે યેસેવિઆ પચેકો રહે છે. નવા પરણેલા હોવાને કારણે પચેકો દંપતિ તત્કાળ સંતાન ઇચ્છતા ન હતા. સ્વાભાવિક છે કે આજના જમાનામાં ગર્ભનિરોધક અનેક દવા તથા ઇન્જેક્શન મળતાં હોય છે. એ કારણથી જન્મદર ઉપર પણ નિયંત્રણ મેળવી શકાયું છે. મહિલાઓ અવાંચ્છિત ગર્ભથી પણ દૂર રહી શકે છે. સ્વાભાવિક છે કે આજના આધુનિક યુગમાં મહિલાઓ મહદઅંશે કેરિયર ઉપર વધુ ધ્યાન આપતી થઇ હોવાને કારણે સંતાન મોડું ઇચ્છે છે. એ સંજોગોમાં તેઓ સાંસારિક સબંધ તો રાખે છે, પણ ગર્ભ રહી ન જાય એ માટે પણ કાળજી રાખે છે.
યેસેવિઆ પણ તત્કાળ સંતાન ઇચ્છતી ન હતી, તેથી તેણે કમ્યુનિટી ક્લિનિકમાં જઇને ગર્ભ ન રહ એ માટેનું બર્થ કંટ્રોલ ઇન્જેક્શન મૂકાવ્યું હતું. તબીબ કે આરોગ્ય કેન્દ્રમાં કયું ઇન્જેક્શન કે દવા અપાય એ અંગે લોકો સામાન્ય રીતે માહિતગાર હોતા નથી. તેઓ તબીબ પર ભરોસો મૂકતા હોય છે. યેસેવિઆ પણ ઇન્જેક્શન મૂકાવીને અવાંચ્છિત ગર્ભ નહીં રહે એવા વિશ્વાસથી બેફિકર થઇ ગઇ. પરંતુ તેને તો થોડા સમય બાદ માસિક સ્ત્રાવ ન આવતાં તપાસ કરતાં પોતે ગર્ભવતી થઇ હોવાનું જણાયું ત્યારે જ હોશ ઉડી ગયા. જો કે ગર્ભ રહી જ ગયો છે, તો સંતાનને જન્મ આપવો જ એવું નક્કી કરી નાંખ્યું હતું. ખરેખર તો બે સંતાન હોવાને કારણે પરિવારમાં ત્રીજું સંતાન ન જોઇએ એવું યેસેવિઆ માનતી હતી અને તેથી જ તેણે બર્થ કંટ્રોલ માટેનું ઇન્જેક્શન લીધું હતું.
જ્યારે યેસેવિઆને બાળકી જન્મી. બાળકી દિવ્યાંગ જન્મી હતી. આખો કિસ્સો સ્વાભાવિક રીતે જ અદાલતે ગયો. યેસેવિઆએ ગર્ભ ન રહે એ માટે ઇન્જેક્શન લીધું હતું, તેથી બાળકી જન્મી અને એ પણ દિવ્યાંગ જન્મી, તેથી અદાલતના દ્વાર ખખડાવીને આર્થિક વળતર માટે કેસ કરી દેવાયો.
અદાલતે હવે ચુકાદો આપતાં બાળકી માટે 55 કરોડ રૂપિયા અને દંપતિને 18 કરોડ રૂપિયા ચુકવવા સરકારને આદેશ આપ્યો છે. સરકારી ક્લિનિકમાં ગર્ભ નિરોધક ઇન્જેક્શન મૂકાવ્યું હતું, છતાં સંતાન થતાં એ માટેની જવાબદારી સરકારની ઠેરવવા યુગલે કાયદાકિય લડત ચલાવી હતી. એ લડતને અદાલતે માન્ય રાખીને બાળકીના ઇલાજ, અભ્યાસ અને બીજા ખર્ચ માટે કુલ 74 કરોડથી વધુ રૂપિયાનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે