/આવતા સોમવારથી શાળાઓ ખુલશે, પણ વાલીઓ બાળકોને મોકલશે ?

આવતા સોમવારથી શાળાઓ ખુલશે, પણ વાલીઓ બાળકોને મોકલશે ?

કોરોનાને કારણે ગયા માર્ચ મહિનાથી ગુજરાતમાં શાળા- કોલેજો બંધ છે. કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં રહે એ માટે શાળા- કોલેજો બંધ કરી દેવાયા હતા. જ્યાં વધુ લોકો ભેગા થઇ શકે એવા તમામ સ્થળો બંધ હતા, ત્યારે બાળકો પણ કોરોનાનો ભોગ ન બને એ માટે શાળા- કોલેજો બંધ કરી દેવાઇ હતી. પરંતુ હવે નવેમ્બર પૂરો થવામાં છે, ત્યારે ગુજરાતમાં અનલોક થઇ રહ્યા છે, તો શાળા કોલેજો પણ ખોલવા માટે તૈયારીઓ થઇ રહી છે, સરકારે તો આગામી 23 નવેમ્બર 2020થી શાળા કોલેજો ખોલવા માટે પરવાનગી આપી છે. પરંતુ ફરીથી ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે વાલીઓ પોતાના સંતાનોને શાળા – કોલેજમાં મોકલવા માટે તૈયાર નથી.
ગુજરાતમાં દીવાળી પછી કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં ઘણો વધારો નોંધાઇ રહ્યો છે. કોરોનાને કારણે માર્ચમાં લોકડાઉનનો અમલ થયો, ત્યારથી ગુજરાતમાં શાળા- કોલેજો બંધ છે. ઓનલાઇન શિક્ષણ ચાલે છે, પરંતુ તે કેટલું અસરકારક અને કેટલા વિદ્યાર્થીઓને મળતું હશે એ અલગ ચર્ચાનો વિષય છે. આ સ્થિતિમાં શાળા – કોલેજોનું પણ એક અર્થતંત્ર સાવ ખોરવાઇ ગયું છે. સ્વનિર્ભર શાળા- કોલેજોની આવક બંધ થઇ ગઇ છે. એ સંજોગોમાં એ આર્થિક ક્ષેત્ર પણ સાવ વિલાઇ ગયું છે, ત્યારે તેના ખાનગી સંચાલકોને શાળા- કોલેજ ખોલવાની ઉતાવળ હોય એ સમજી શકાય એમ છે. પરંતુ વાલીઓ પોતાના સંતાનોને હાલના સંજોગોમાં શાળા કે કોલેજોમાં મોકલીને જોખમ લેવા માંગતા નથી. આ કારણથી 23મીથી શાળા ખુલે તો પણ તે ખાલી જ રહે એવી સંભાવના વધુ છે.
બીજી તરફ શાળા અને કોલેજોની ફીનો પણ વિવાદ ઊભો જ છે. શાળા- કોલેજો ફીનો ઉઘરાણી કરે છે. પરંતુ અનેક વાલીઓના રોજગાર છીનવાઇ ગયા છે કે આવકમાં કાપ આવ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે તેમનો પહેલો પ્રશ્ન ભોજન જેવી જીવન જરૂરિયાતનો છે અને તેને કારણે વાલીઓ ફી ભરી શકે એવા સંજોગો નથી. સાથે સાથે શાળાઓ ખુલે તો સંક્રમણ વધી શકે એવું જોખમ પણ રહે છે, જેને કારણે વાલીઓ પોતાના સંતાનોને શાળા અને કોલેજમાં મોકલે એ માટે સહમત થતા નથી, ત્યારે 23મીથી શાળાઓ ખુલી જશે, પણ તેમાં વિદ્યાર્થીઓની હાજરી રહે એમ લાગતું નથી.
અત્યારે એમ પણ ગુજરાતમાં કોરોનાના કેસો વધવા માંડ્યા છે, ત્યારે ડોક્ટરો પણ માને છે કે શાળામાં બાળકો સામાજિક અંતર રાખવા અને માસ્ક પહેરવા અંગે કાળજી રાખી નહીં શકે અને તેને કારણે શાળાઓમાં સંક્રમણ વધી શકે છે. આંધ્રપ્રદેશમાં શાળાઓ ખુલ્યા બાદ અનેક કેસો વધ્યા છે. હરિયાણામાં પણ એ જ સ્થિતિ છે. ઉત્તરાખંડમાં શાળા ખુલ્યા બાદ 80 શિક્ષકો કોરોના પોઝીટીવ થતાં પાંચ જ દિવસમાં 84 શાળાઓ બંધ કરી દેવી પડી હતી, તે પણ નજર સામે છે, ત્યારે વાલીઓ બાળકોને શાળામાં મોકલવાથી ગભરાઇ રહ્યા છે.