January 27, 2021

કર્ફ્યુની રાત્રે અમદાવાદ પોલીસને માનવીય ચહેરો પણ સામે આવ્યો, આ લોકોને કરી મદદ

સામાન્ય રીતે આપણે પોલીસને દંડાવાળી કરનારી કે હપ્તા વસુલ કરનારી તરીકે જ ઓળખીએ છીએ. પરંતુ આ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઘણા આપણને નહીં ગમતાં પગલાં ભરતી હોય છે. જો કે કોરોનાના સમયે પોલીસની માનવતા પણ મહેંકતી રહી છે. કોરોનાનો બીજો તબક્કો અમદાવાદમાં શરૂ થયો છે, ત્યારે વધતા જતા કેસોને કારણે 57 કલાકનો કરફ્યુ લાદવામાં આવ્યો, ત્યારે પોલીસે ફૂટપાથ પર રહેતા લોકોને જમાડીને વધુ એક વખત તેમની સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
અમદાવાદમાં શુક્રવારની રાત્રે 9 વાગ્યાથી કરફ્યુ લાદવામાં આવ્યો હતો. ગરીબ લોકોને તેને કારણે પરેશાની વેઠવી પડી હતી. રોજ કમાઇને રોજ ખાનારાઓ માટે દિવસ કપરો આવ્યો હતો. ફૂટપાથ પર રહેતા ગરીબો માટે પેટનો ખાડો પુરવો મુશ્કેલ થઇ ગયો હતો. પરંતુ અમદાવાદ શહેર પોલીસ અને એનજીઓએ આ ગરીબોની વ્હારે ગયા હતા.
અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે આ પહેલ કરી હતી. તેમણે પોલીસ કાફલાને કરફ્યુ દરમ્યાન શહેરમાં રોડ પર રખડતા ગરીબ અને ભિખારીઓને જમવાનું પહોંચાડવા માટે સુચન કર્યું હતું. તેને પગલે લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ અને અક્ષયપાત્ર સાથે મળીને શહેરમાં આશરે 10 હજાર ગરીબોને પોલીસોએ જમવાનું પહોંચાડ્યું હતું.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એનજીઓ સાથે મળીને પોલીસે આ ઉમદા કામગીરી બજાવી હતી. અમદાવાદમાં 57 કલાકના લાંબા કરફ્યુને કારણે કોઇ ભુખ્યું ન રહી જાય તેની કાળજી પોલીસે રાખી હતી. એનજીઓની મદદને કારણે આ કામગીરી વધુ વેગવંતી અને સુદ્રઢ બની હતી. યાદ રહે કે પોલીસે લૉકડાઉન દરમ્યાન પણ અનેક સારી કામગીરી કરી હતી. સતત કોરોનાનું જોખમ હોવા છતાં તમામ કપરાકાળમાં જોખમી વિસ્તારોમાં પણ ફરજ બજાવીને પોલીસે ઉમદા કામગીરી કરી હતી. સાથે સાથે પોતાની ફરજ ઉપરાંત માનવીય સહાય કરવામાં પણ પોલીસ અગ્રેસર રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *