/અમદાવાદમાં કોરોનાના દર્દીઓને અન્યત્ર કેમ ખસેડવા પડી રહ્યા છે ?

અમદાવાદમાં કોરોનાના દર્દીઓને અન્યત્ર કેમ ખસેડવા પડી રહ્યા છે ?

અમદાવાદમાં છેલ્લા કેટલાક વખતથી ફરીથી કોરોનાના કેસો વધવા માંડ્યા છે. આજે એટલે કે 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમદાવાદમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિ એવી સ્ફોટક ગણાવાય છે કે કોરોનાની હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા છે અને તેને કારણે કોરોનાના દર્દીઓને આણંદ કે વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો હોવાને કારણે જ રાત્રી કરફ્યુ અમલી કરવાનો નિર્ણય લેવાયો હતો અને એ બાદ શુક્રવારની રાત્રે 9 કલાકથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો આદેશ કરાયો છે. રાજ્યમાં શાળા- કોલેજ સોમવારથી શરૂ કરવાની તૈયારી કરી નાંખ્યા બાદ થોડા જ દિવસોમાં એ નિર્ણય ફરી પાછો ખેંચવામાં આવ્યો છે. મતલબ કે કોરોનાએ ફરીથી સ્થિતિ ગંભીર કરી નાંખી છે. નવરાત્રી અને દીવાળી દરમ્યાન લોકોએ ઘણી છુટ મેળવી અને તેનું પરિણામ હવે સંક્રમણ વધવા સાથે આવી રહ્યું છે. ખાસ કરીને સરકારે જે ઢીલ મૂકી અને તેને પગલે લોકોએ એમ માની લીધું કે કોરોના હવે રહ્યો નથી. માસ્ક પહેરવું નહીં અને સામાજિક અંતર રાખવાને બદલે ટોળે વળવાને કારણે સંક્રમણ ફરી શરૂ થયાનું મનાય છે. આ સંજોગોમાં અમદાવાદની સ્થિતિ અંગે ચિંતાજનક હેવાલ એ છે કે કોરોનાના દર્દીઓ માટે કોવિડ હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી અને તેથી કોરોનાના દર્દીઓને શહેર બહાર બીજી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
લોકોએ સાવચેતી નહીં રાખતા કોરોનાનું સંક્રમણ ફરી જોર પકડી રહ્યું છે, ત્યારે સ્થિતિ વિસ્ફોટક છે. આ કારણે હાલમાં અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. અમદાવાદના કોરોનાના દર્દીઓને અમદાવાદની બહાર અન્ય જિલ્લાઓમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને 108 એમ્બ્યુલન્સ દ્વારા આણંદ કે વડોદરાની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.
આમ છતાં અમદાવાદમાં હજુ પણ કોરોના અંગે લોકોમાં જાગૃતિ ન હોય એમ લાગે છે. અનેક ઠેકાણે લોકો ટોળે વળેલા જોવા મળે છે. બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જેવા અનેક સ્થળો એવા છે, જ્યાં લોકો માસ્ક પહેર્યા વિના ટોળાંમાં ફરતા જોવા મળે છે. આ સ્થિતિમાં અમદાવાદમાં ફરીથી કરફ્યુ લાદવામાં આવ્યો છે. આજે તા. 20મીની રાત્રેથી સોમવારે સવાર સુધી કરફ્યુનો અમલ કરાશે. એ ખરૂં કે સરકારે લોકડાઉન નહીં કરાય એવી જાહેરાત કરી દીધી છે. પરંતુ એમ લાગે છે કે અત્યારે તો રાત્રી કરફ્યુનો અમલ થોડા દિવસ રખાશે. કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે એ જ ઉપાય હાથવગો જણાઇ રહ્યો છે.