/ટોમ એન્ડ જેરી ના ચાહકો માટે સારા સમાચાર

ટોમ એન્ડ જેરી ના ચાહકો માટે સારા સમાચાર

જો કે હવે નવી પેઢીમાંથી કેટલા ટોમ એન્ડ જેરીને ઓળખતા હશે તે એક સવાલ છે. પરંતુ જુની પેઢીના લોકો માટે ટોમ એન્ડ જેરી એ મનોરંજન માટેના બે મુખ્ય પાત્રો હતા અને તેઓ દુનિયાભરમાં જાણિતા હતા.
ટોમ એન્ડ જેરીનો શો છેલ્લા કેટલાક વર્ષોથી બંધ થઇ ગયો હતો. વર્ષો બાદ હવે ફરીથી ટોમ એન્ડ જેરી તમને હસાવવા માટે આવી રહ્યા છે. જો કે તેમાં એક જોરદાર ટ્વીસ્ટ પણ છે. અત્યાર સુધી ટોમ એન્ડ જેરી ટેલિવિઝન શ્રેણી હતી. જો કે ક્યાંક તો તેની કોમિક બુક પણ આવતી હતી. પરંતુ હવે બદલાતા સમય સાથે ટોમ એન્ડ જેરી મોટા પડદે આવી રહ્યા છે. આ કાર્ટુન સીરીઝ ઉપર હવે એક ફિલ્મ બની છે. સોશ્યલ મીડિયા પર તો તેનું ટ્રેલર પણ રીલીઝ થઇ ગયું છે અને વાઇરલ થઇ રહ્યું છે. એ ટ્રેલરમાં ટોમ એન્ડ જેરીને અસલી દુનિયામાં માણસો સાથે રહેવાનું શક્ય બન્યું છે. ટોમ એન્ડ જેરી કઇ રીતે માણસો સાથે એડજસ્ટ થાય છે અને કઇ રીતે બંને મસ્તી કરે છે, તે ફિલ્મમાં આવરી લેવાયું છે.
આ ફિલ્મનું શૂટીંગ ન્યૂયોર્કમાં થયું છે. ફિલ્મની વાર્તા એક લગ્નની આસપાસ ઘૂમી રહી છે. ટોમ એન્ડ જેરીની મસ્તીમાં આપણને મોકળાશથી હસવાની અનેક પળો મળી જાય છે. હસીને લોથપોથ થઇ જવાય એવા ટોમ એન્ડ જેરીને ફરીથી માણવા મળશે એ વાત જ ઘણાના મોઢા ઉપર હાસ્યની હાજરી પુરાવી દેનારી છે. સોશ્યલ મીડિયા પર તેના ટ્રેલરને અનેક લોકોએ વધાવી લીધું છે. ટોમ એન્ડ જેરીના ચાહકો હવે ફિલ્મનો ઇન્તજાર કરી રહ્યા છે. જો કે જુના ચાહકો ટોમ એન્ડ ટેરીને જે રીતે જોયા અને માણ્યા છે, તેઓ એ જ કલ્પના આધારે ટ્રેલર જોઇને સોશ્યલ મીડિયા પર નારાજગી દેખાડી રહ્યા છે. પરંતુ ટોમ એન્ડ જેરી મોટા પડદે ધૂમ મચાવી દઇ શકે એમ છે.