/શિયાળામાં પણ ભારતીય સૈન્ય ચીનને પરસેવો પડાવવા સજ્જ

શિયાળામાં પણ ભારતીય સૈન્ય ચીનને પરસેવો પડાવવા સજ્જ

યાદ રહે કે એક તરફ આખી દુનિયા કોરોના સામે ઝઝુમતી હતી, ભારતમાં પણ લોકડાઉન કરાયું હતું, ત્યારે બીજી તરફ ચીને તેની સામ્રાજ્યવાદી નીતિ અપનાવીને લદ્દાખના કેટલાક હિસ્સામાં કબ્જો જમાવ્યો હતો, જેને પગલે જુનમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે હિંસક અથડામણ પણ થઇ હતી, ત્યારથી ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ભડકી ઉઠ્યો છે. આ વિવાદ સાથે જ ભારતે પણ ચીનને જડબાતોડ જવાબ આપી શકાય એ માટે ચીન સાથેની એલએસી પર સૈન્ય ગોઠવી દીધું હતું, સામાન્ય રીતે અહીંનો શિયાળો આકરો હોય છે, તેથી શિયાળો બેસે એ પહેલાં અહીં સૈન્યની ખાસ હાજરી રહેતી નથી, પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં લઇને ભારતીય સૈન્ય હાડ ગાળી દે એવી ઠંડીમાં પણ ચીનને જવાબ આપવા માટે સજ્જ થઇને તહેનાત થયું છે.
ચીનનું સૈન્ય શિયાળામાં પણ તેની ખંધી નીતિથી ભારતીય જમીન પર કબ્જો જમાવવાનું ફરી દુઃસાહસ કરી શકે એમ છે. એ કારણથી જ તેને તત્કાળ જવાબ આપી શકાય એ મુદ્દે ભારતીય સૈન્ય પણ સાવચેત છે અને ચીનની સરહદે તહેનાત છે. હાલમાં શિયાળો બેસી ગયો છે, ત્યારે એલએસીના કેટલાય વિસ્તારોમાં તાપમાન શૂન્યની નીચે 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આ તાપમાને ટકી રહેવાનું આપણું ગજુ નથી. પરંતુ આપણા જવાંમર્દો માભોમની સુરક્ષા કરવા માટે આટલા નીચા તાપમાને પણ ચોકી કરતા રહે છે.
લદ્દાખના વધુ ઊંચાઇવાળા વિસ્તારોમાં શિયાળામાં 30 થી 40 ફૂટ સુધી બરફ પણ પડતો હોય છે. એ બરફ વચ્ચે પણ સરહદની સુરક્ષા કરવી એ કાંઇ ખાવાના ખેલ નથી. આટલી વિષમ સ્થિતિમાં પણ ટકી જવા માટે સૈન્ય શી તૈયારી કરે છે, એ અંગેનો એક વીડિયો સૈન્ય બહાર પાડ્યો છે. આ વીડિયોમાં સૈનિકો માટે બેડ, કબાટ અને હીટરોની સુવિધા એક ટેન્ટમાં ઊભી કરાયેલી હોય છે. અનેક રૂમમાં સિંગલ બેડની વ્યવસ્થા છે, તો એક લિવિંગ રૂમમાં બંક બેડની પણ વ્યવસ્થા છે.
યાદ રહે કે સાઇબેરિયા જેવા દુનિયાના અતિઠંડા વિસ્તારમાં પણ માનવી રહી શકે એવા ટેન્ટ રશિયા બનાવે છે. એ ટેન્ટ ભારે ઠંડીમાં પણ રક્ષણ કરી શકે છે. સૌથી ઝડપથી અને અસરકારક રીતે આ ટેન્ટ ઊભા કરી શકાય છે. એ કારણથી જ આ વખતે ભારતીય સૈનિકો માટે લદ્દાખની સરહદે રશિયન ટેન્ટ ઊભા કરાયા છે.
અતિ ઠંડીની સામે રક્ષણ મળવા સાથે સાથે માણસે ભારે ઠંડીમાં ટકી જવા માટે ખોરાક પણ એ પ્રકારનો લેવો પડતો હોય છે. ભારતીય સૈનિકોને નાસ્તા માટે તમને જાણીને નવાઇ લાગશે પણ આપણે જે શક્કરપારા ખાઇએ છીએ, તેની પસંદગી કરવામાં આવી છે. શક્કરપારા ઘઉંમાંથી બનતા હોવાને કારણે પચવામાં સરળ હોય છે. કાર્બોહાઇડ્રેટ પણ સારી રીતે મળી શકે, ઉપરાંત તેમાં રહેલી ખાંડને કારણે ખાનારાને ઊર્જા પણ મળી રહે છે. આ બાબત ધ્યાનમાં રાખીને લદ્દાખ સરહદે લાંબો સમય રહેનારા આઇટીબીપીના જવાનો માટે નાસ્તામાં શક્કરપારા આપવાનું પસંદ કરાયું છે. ઘણી ઊંચાઇએ ચોકી કરવાની હોય ત્યારે સાથે ભારે વજન રાખવું પણ મુશ્કેલ હોય છે. ઉપરાંત બરફ પડ્યો હોય એવા સમયે સૈનિકોને ખોરાક અને પાણીનો પુરવઠો સતત મોકલતા રહેવું પણ એક પડકાર હોય છે, તે પડકારને પહોંચી વળવા માટે પણ શક્કરપારા એક સારો વિકલ્પ છે. પાણી તો બરફને ઓગળીને બનાવવું પડે, તો કેટલાક સ્થળોએ પાઇપવડે પાણી મળી રહે એવી સુવિધા પણ ઊભી કરાઇ છે. જો કે બરફ પડે ત્યારે પાઇપમાં પણ બરફ જામી જતો હોય છે. આવા માહોલમાં પણ આપણો જવાન દેશની સરહદની સુરક્ષા કરતો હોય ત્યારે તેને સલામ કરવી જ પડે.