January 27, 2021

ભારતમાં કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલો દ્વારા લુંટ ચલાલાયાનો અહેવાલમાં થયો ખુલાસો

ભારતમાં માર્ચ મહિના બાદ દેશવાસીઓ કોરોના અને તેને કારણે સર્જાયેલી વિકટ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દેશમાં શરૂઆતથી સરકારી આરોગ્ય સેવા અપાર્યપ્ત હતી. તેથી કોરોના સામેના જંગમાં સરકારે ખાનગી સેવાઓને પણ સામેલ કરી. જો કે, આ ખાનગી હોસ્પિટલો માટે કોરોના સારવાર દરમિયાન પાળવાના કોઈ ધારાધોરણ નક્કી કર્યા ન હતા. બીજી તરફ દેશમાં કોરોનાથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી હતી. આવા સંજોગોમાં મધ્યવર્ગી, ગરીબ દર્દીઓને પણ સારવાર કરવા ખાનગી સેવાનો સહારો લેવો પડયો હતો. દરમિયાન ખાનગી હોસ્પિટલોએ દર્દીની સારવાર માટે વધુ પૈસા વસૂલ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે આ ફરિયાદને સંસદીય સમિતિએ શનિવારે રજૂ કરેલા તેના અહેવાલમાં સમર્થન આપ્યું છે.

આરોગ્ય અંગેની સ્થાયી સંસદીય સમિતિના અધ્યક્ષ રામ ગોપાલ યાદવે કોવિડ ફેલાવાનો અહેવાલ રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુને સોંપ્યો હતો. કોવિડ-૧૯ રોગચાળા અંગે સરકારમાં રજૂ થયેલો આ પ્રથમ અહેવાલ છે.
સંસદીય સમિતિએ તેના અહેવાલમાં નોંધ્યું છે કે, કોવિડ-૧૯ના વધતાં કેસ સમયે દેશની સરકારી હોસ્પિટલોમાં પથારીની તંગી હતી. વળી આ રોગચાળો અને તેની સારવાર વિશે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચોક્કસ દીશા નિર્દેશ આપતી ન હતી. તેથી કોરોનાની સારવાર કરાવતા દર્દીઓ પાસે ખાનગી હોસ્પિટલોએ મનસ્વી રીતે નાણા વસૂલ્યા હતા. જો ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવાર માટે દર નક્કી કરવામાં આવ્યાં હોત તો લોકોને લુંટાતા બચાવી શકાયા હોત.

સમિતિએ તેના અહેવાલમાં વધુમાં નોંધ્યું હતું કે ૧.૩ અબજની વસ્તી ધરાવતા દેશમાં આરોગ્ય પર ખર્ચ ‘અત્યંત ઓછો’ છે અને ભારતીય આરોગ્ય પ્રણાલીની નાજુકતાને કારણે આ રોગચાળા સામે અસરકારક રીતે લડવામાં મુશ્કેલી પડી છે.
સમિતિએ સરકારને જાહેર આરોગ્ય પ્રણાલીમાં વધુ નાણા ફાળવવા કે રોકાણ કરાવવા પણ તાકીદ કરી છે. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ૨૦૧૭માં આરોગ્ય સેવા નિભાવ માટેનો સરકારી ખર્ચ ૧.૧૫ ટકા હતો જે ૨૦૨૫ સુધીમાં જીડીપીના ૨.૫ ટકા નક્કી કરવામાં આવ્યો છે, દેશની સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા કોવિડ દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પૂરતી નથી તેવું પણ આ અહેવાલમાં સમિતિએ સ્પષ્ટ રીતે નોંધ્યું છે.
રિપોર્ટમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને વધારે ફી ચૂકવવી પડી હતી તેવો ઉલ્લેખ કરી સરકારી આરોગ્ય સુવિધાઓ અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સારી ભાગીદારીની જરૂરીયાત પર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના સામેના જંગમાં સુવિધા આપતા આપતા જીવ ગુમાવનારાઓને પણ યોગ્ય વળતર આપવા ભલામણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *