બુધવાર તા. 25 નવેમ્બરે સવારે 3.30 કલાકે કોંગ્રેસના કદાવર નેતા અહમદ પટેલનું નિધન થયું હતું. તેમના દીકરા ફૈસલ પટેલે ટ્વીટર પર આ જાણકારી આપતાં લખ્યું છે કે, એક સાથે કેટલાય અંગોએ કામ કરવાનું બંધ કરી દેતાં તેમનું નિધન થયું છે.
ફૈસલે વધુમાં લખ્યું છે કે, તેમના શુભચિંતકોને અનુરોધ છે કે આ સમયે કોરોના વાઇરસના નિયમોનું કડક પાલન કરે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ અંગે દ્રઢ રહે અને કોઇ પણ સામુહિક આયોજનમાં જવાથી દૂર રહે.
લગભગ એક મહિના પહેલાં અહમદ પટેલ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. 71 વર્ષના અહમદ પટેલનું નિધન દિલ્હીની હોસ્પિટલમાં થયું છે. અહમદ પટેલ કોંગ્રેસના કોષાધ્યક્ષ હતા. સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર તરીકે તેઓ શક્તિશાળી નેતા બની રહ્યા હતા. તેઓ 1985માં રાજીવ ગાંધીના સંસદીય સચિવ પદે પણ રહ્યા હતા.
21 ઓગષ્ટ 1949ના દિવસે મોહંમદ ઇશાક પટેલ અને હવાબેન પટેલના સંતાન તરીકે ભરૂચ જિલ્લાના પિરામલ ગામે તેમનો જન્મ થયો હતો. તેઓ આઠ વખત સાંસદ તરીકે લોકસભામાં ચૂંટાયા હતા અને પાંચ વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લે તેઓ 2017માં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. એ ચૂંટણી ખૂબ જ ચર્ચાસ્પદ રહી હતી.
1986માં અહમદ પટેલને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવાયા હતા. 1988માં ગાંધી – નહેરૂ પરિવાર દ્વારા સંચાલિત જવાહર ભવન ટ્રસ્ટના સચિવ બનાવાયા હતા. આ ટ્રસ્ટ સામાજિક કાર્યક્રમો માટે ભંડોળ પૂરૂં પાડે છે. ધીરે ધીરે અહમદ પટેલે ગાંધી- નહેરૂ પરિવારના નજીકના વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન બનાવી લીધું હતું. તેઓ રાજીવ ગાંધીના વિશ્વાસુ નેતા હતા, તો સોનિયા ગાંધીના પણ એટલા જ વિશ્વાસુ રહ્યા હતા. એંસીના દાયકામાં ભરૂચ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અને અહમદ પટેલ ત્યાંથી ત્રણ વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. એ દરમ્યાન 1984માં તેમની કોંગ્રેસના સંયુક્ત સચિવ તરીકે પસંદગી થઇ હતી.
અહમદ પટેલ ભરૂચ વિસ્તારમાં બાબુભાઇ તરીકે પણ જાણિતા હતા. મતલબ કે મુસલમાન હોવા છતાં હિન્દુઓમાં પણ એટલા જ લોકપ્રિય નેતા હતા.
